ટ્વિટરની દુનિયા...

ચાલો આજે બ્લોગને ઝરૂખેથી ટ્વિટરની દુનિયામાં ડોકીયું કરીએ ! જે વાચકમિત્રો ‘ઈન્ટરનેટ સેવી’ એટલે કે ઈન્ટરનેટની દુનિયાથી વિશેષ પરિચિત નથી એમના માટે સર્વપ્રથમ ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ. ટ્વિટર એક એવી વેબસાઈટ છે અથવા તો કહો કે સોશિયલ નેટવર્કિંગનું એક શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા તમે દુનિયાને તમારા વિશે સતત કંઈક ને કંઈક કહેતા રહી શકો, પણ માત્ર 140 અક્ષરોની મર્યાદામાં રહીને ! છે ને રસપ્રદ ?! આજે ટ્વિટર માત્ર તમારા પોતાના વિચારો વ્યક્ત કરવાનું એક માધ્યમ ન બની રહેતાં માર્કેટિંગનું કે પ્રચારનું પણ એક સશક્ત સાધન બની ગયું છે.
નવાં ઉત્પાદનો કે નવી સેવા કે નવી ફિલ્મ વિશેની માહિતી કે નવા વિચારો દુનિયાભરમાં વિનામૂલ્યે વહેતા કરવાનું હાથવગું સાધન. લગભગ દરેક સેલિબ્રિટી પોતાના લાખો ફોલોવર્સ સાથે આખો દિવસ કંઈક ને કંઈક લખ્યા કરી, ટ્વિટ અપડેટ્સ દ્વારા સતત સંપર્કમાં રહેવાનું શીખી ગયા છે. યા તો કહો કે તેમને એમ કરવાની આદત પડી ગઈ છે. ફોલોવર્સ એટલે શું ? એ જાણવા ટ્વિટર કઈ રીતે કામ કરે છે તે થોડું વધુ વિગતમાં સમજીએ.
બીજી કોઈ પણ વેબસાઈટની જેમ જ ટ્વિટર પર રજિસ્ટર કર્યા બાદ તમારા એ ઑનલાઈન એકાઉન્ટમાં લોગ-ઈન કરી તમે વધુમાં વધુ 140 અક્ષરોમાં કંઈ પણ લખી શકો અને એ લખ્યા બાદ ટ્વિટ બટન પર ક્લિક કરો એટલે તમારો સંદેશો પહોંચી જાય ઈન્ટરનેટના મહાસાગરમાં ! ફેસબુક પર તમે જેમ મિત્રો બનાવો છો તેમ અહીં ફોલોવર્સ હોય છે. તમારું આઈડી (રજિસ્ટર કરતી વેળા તમે જે નામ પસંદ કરો છો તે દા.ત @Hiren Joshi) ક્લિક કરી તમારા મિત્રો, સ્વજનો કે કોઈ પણ તમને ફોલો કરવા કે અનુસરવાની સ્વતંત્રતા ધરાવે છે. એ તમને ફોલો કરવાનું શરૂ કરે એટલે તમે જે કંઈ લખો એ તેના હોમપેજ પર દેખાય કે પબ્લિશ થાય. આમ તમે શાહરૂખ ખાનને કે સલમાન રશ્દીને કે ટોમ ક્રૂઝને કે લૅડી ગાગાને ફોલો કરતા હોવ તો એ લોકો જે કંઈ પણ ટ્વિટ કરે એ વાંચી તમે સતત જાણતા રહી શકો કે એ જે તે વ્યક્તિએ શું ખાધું, શું પીધું, તે શું કરી રહી છે, ક્યાં છે, કેવા મૂડમાં છે અને એવું બધું તમે તેના ટ્વિટ્સ દ્વારા જાણી શકો ! આ બધું તમે તમારા પોતાના વિશે પણ ટ્વિટ કરી તમારા ફોલોવર્સને જણાવી શકો ! કોઈના ટ્વિટને તમે જવાબ પણ આપી શકો અથવા કોઈનો ટ્વિટ તમને ગમી જાય તો તમે તેને ‘રિટ્વિટ’ પણ કરી શકો છો.
140 અક્ષરોની મર્યાદાને કારણે ક્યારેક એમ લાગે કે ટ્વિટર દ્વારા લાગણી વ્યક્ત કરવી ખૂબ અઘરું કામ છે, પણ એટલે જ અંગ્રેજી સ્પેલિંગ્ઝનો અને ગ્રામરનો કચ્ચરઘાણ વાળી ટ્વિટરપ્રેમીઓએ જાણે એક નવી ભાષા શોધી કાઢી છે, જે કોઈ નવાસવાને તો સમજાય જ નહીં ! વધુમાં વધુ વાત માત્ર 140 અક્ષરોમાં કહેવી હોય તો એટલી તો છૂટ લેવી જ પડે ! દા.ત., 88 અક્ષરોના મૅસેજની ‘I am a great fan of sanjay Leela Bhansali and I am looking forward to see his new movie’ ની વાત ટ્વિટરની નવી ભાષામાં ‘I m a grt fan of snjy leela bhnsli & lukin fwd to his new movie’ એમ અક્ષરોમાં પતી ગઈ ! કદાચ ભાષા કે વ્યાકરણપ્રેમીઓને આ ન રુચે, પણ આજકાલની પેઢી તો હવે સામાન્ય લેખિત વ્યવહારમાં પણ આ મિતાક્ષરી ભાષાનો ઉપયોગ કરવા માંડી છે !
સેલિબ્રિટીઓ, ચાહકો પોતાના ઓડિયન્સના સતત ટચમાં રહી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા ટ્વિટરનો ઉપયોગ કરે છે, તો ક્યારેક જાણી જોઈ ચર્ચાસ્પદ ટ્વિટ કરી કે અન્ય સેલિબ્રિટીને ટાર્ગેટ બનાવી ઓનલાઈન ટ્વિટર યુદ્ધ ચલાવી મીડિયામાં મોખરે રહે છે ! ચેતન ભગત જેવા સેલિબ્રિટી યુવા લેખકના ટ્વિટર પર 6 લાખ ફોલોવર્સ છે. તે પોતાના નવા પુસ્તકની તારીખ કે પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનવાની કે તે ફિલ્મમાં કોણ કલાકાર કામ કરવાના છે તેવી અગત્યની જાહેરાત ટ્વિટર પર કરે છે. અમિતાભ બચ્ચન કે માધુરી દીક્ષિતથી માંડીને સચીન તેંડુલકર કે પછી આપણા વડા પ્રધાન મનમોહન સિંઘ કે શશિ થરૂર જેવા રાજકારણી નેતાઓ પણ પોતપોતાના ખાસ ચાહક-ફોલોવર્સનો આગવો વર્ગ ધરાવે છે. ટ્વિટર પર તમે તસવીરો પણ મૂકી શકો છો. ચર્ચાસ્પદ તસવીરો અપલોડ કરી લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરનાર પૂનમ પાંડે જેવા લોકો પણ ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરે છે. ટ્વિટરના સદુપયોગ થયાનાં પણ અનેક ઉદાહરણ ટાંકી શકાય એમ છે. મુંબઈમાં છેલ્લા આતંકવાદી બૉમ્બધડાકા થયા ત્યારે દાદરમાં બૉમ્બવિસ્ફોટ થયેલો ત્યારે બસ સ્ટૉપ પાસે ફસાયેલ એક નાગરિકે ટ્વિટ કરી મદદ મેળવી હતી અને તે હેમખેમ ઘરે પહોંચ્યાના અહેવાલ અખબારમાં મેં વાંચ્યાનું મને યાદ છે. કોઈ જગાએ આગ લાગે કે દુર્ઘટના સર્જાય ત્યારે પણ ટ્વિટર દ્વારા એની જાણ લોકોને સૌપ્રથમ થઈ જાય છે અને આ ટ્વિટ જો સમયસર વાંચવામાં આવે અને ત્વરિત પગલાં લેવાય તો મોટું નુકશાન કે મોટી જાનહાનિ નિવારી શકાય છે. ટ્વિટ કરીને માનસિક રીતે બીમાર વ્યક્તિ પોતાનું દુઃખ દુનિયા સાથે શૅર કરી હળવું કરી લે છે અને તેને રાહત મળે છે. કોઈ પ્રેરણાત્મક સેલિબ્રિટીના ફોલોવર બની તમે દૈનિક જીવનમાં પ્રેરણા મેળવી સારી રીતે જીવી શકો છો.
ટ્વિટરનાં પ્રચાર અને પ્રસાર વિશે તો ઑલરેડી આપણે વાત કરી. હવે ટ્વિટર અસરકારક રીતે યુઝ કરવાની બીજી પણ એક અગત્યની ટીપ અંતમાં જણાવી દઉં. કૉમ્પ્યુટર કીબોર્ડની ‘હેશ’ (#) કી પાછળ તમે તમારા ટ્વિટના સારસમો શબ્દ કે શબ્દસમૂહ (જેને ‘ટ્વિટર’ની ભાષામાં ‘હેન્ડલ’ કહે છે) મૂકી તમારા ટ્વિટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો છો. જેમ કે આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ વિશે ટ્વિટ કરતી વેળાએ શરૂઆતમાં, અંતમાં કે ટ્વિટ સંદેશમાં વચ્ચે કોઈ પણ જગાએ ‘#SMJ’ લખો એટલે તમારો ટ્વિટ સંદેશ વર્ગીકૃત થઈ જાય અને પછી કોઈ પણ ટ્વિટર કે ગુગલ પર શબ્દો દ્વારા સર્ચ કરે એટલે તમારો સંદેશ પણ એ સર્ચ રિઝલ્ટમાં ટોપ પર દેખાય !
ટ્વિટર પર ઘણા લોકો પોતાના અંગત જીવનની વાતો શૅર કરતા હોય છે, તો ઘણા લોકો માત્ર જૉક્સ, સુવાક્યો કે મહાન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી વાતો ટ્વિટ કરતા હોય છે. તમારી મનપસંદ સેલિબ્રિટીઝ કે મિત્રો વગેરેને ફોલો કરી તમે તેમના સતત સંપર્કમાં રહી શકો છો, તો તમારા પોતાના વિચારો પણ જગત સાથે અતિટૂંકાણમાં સરળતાથી શૅર કરી શકો છો. આ બ્લોગ વાંચીને તમે ટ્વિટર પર આઈડી બનાવો તો મને ચોક્કસ જાણ કરજો !

એન્ડ્રોઈડ વિશે....

ઓકે, તો તમે પણ સ્માર્ટ બની ગયા? મતલબ કે સ્માર્ટફોન લઈ લીધો? વાસ્તવમાં સ્માર્ટફોન હોવો એ નહીં, પણ સ્માર્ટફોનનો પૂરેપૂરો ઉપયોગ આવડવો એ ખરી સ્માર્ટનેસ છે! પહેલાં આઇફોન અને હવે એન્ડ્રોઇડના આવ્યા પછી ટચૂકડા અમથા ફોનમાં એટલી બધી સગવડો અને વિશેષતાઓ ઉમેરાવા લાગી છે કે કેટકેટલીય ખૂબીઓ આપણી નજર કે ટેરવાંની જાણ બહાર રહી જાય.

જો તમે નવોનવો એન્ડ્રોઇડ ફોન લીધો હોય કે લેવાનો વિચાર કરતા હો તો આજની આ બેઝિક વાતો તમને તમારા ફોનનો ખરેખરો સ્માર્ટ ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. તમારો હેન્ડસેટ સેમસંગનો હોય, એચટીસીનો હોય કે એલજી-મોટોરોલા કે સોનીનો કે માઈક્રોમેક્સનો હોય, અહીં બતાવેલી ખાસિયતોનો મોટા ભાગે તમે બધા હેન્ડસેટમાં ઉપયોગ કરી શકશો. એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝન તમે જાણતા જ હશો, તમારો ફોન 2.3 (જિંજરબ્રેડ) ધરાવતો હોય કે લેટેસ્ટ 4.0 (આઇસ્ક્રીમ સેન્ડવિચ), આ ખાસિયતો લગભગ કોમન છે (આ વાત તમારા ધ્યાનમાં આવી જ હશે કે એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝનનાં નામ એબીસીડી પ્રમાણે મીઠાશભરી વાનગીનાં નામ અનુસાર અપાયાં છે, જેમ કે કપકેક, ડોનટ, એક્લેર, ફ્રોયો, જિંજરબ્રેડ, હનિકોમ્બ અને જેલી બીન).
હોમસ્ક્રીન : એન્ડ્રોઇડ ફોનમાં કમ્પ્યુટરની જેમ ડેસ્કટોપની સગવડ હોય છે, જ્યાં તમે વધુ વપરાતી બાબતોના શોર્ટકટ સેટ કરી શકો છો (કમ્પ્યુટર માટેની ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આવી સગવડ છે – ઉ…લા..લા… આ ઉબન્ટુ શું છું? એવો સવાલ થયો હોય તો વિગતવાર વાત કરીશું આગળ ઉપર). એન્ડ્રોઇડ ફોનમાં તમે આવા સાત ડેસ્કટોપ પેજ સેટ કરી શકો છો. ગેમ્સ, મ્યુઝિક એપ્સ, પ્રોડક્ટિવિટી એપ્સ વગેરે વગેરે માટે તમે અલગ અલગ પેજનો ઉપયોગ કરી શકો. તમે હોમ સ્ક્રીનમાં હો ત્યારે સ્ક્રીન પર ‘બે આંગળીથી ચોંટિયો ખણવાનો’ પ્રયાસ કરો એટલે સ્ક્રીન મિનિમાઇઝ થઈને બધાં પેજ એક સાથે દેખાય, જેને મેક્સિમાઇઝ કરવું હોય તેના પર હળવો સ્પર્શ કરો!
વિજેટ્સ  :  હોમસ્ક્રીન પર તમે શોર્ટકટ્સ ઉપરાંત જુદા જુદા વિજેટ્સ પણ સેટ કરી શકો. જેમ કે તમે ફોનમાં ગૂગલ રીડરનો ઉપયોગ કરતા હો અને તેનું વિજેટ કોઈ એક હોમ સ્ક્રીન પર સેટ કરો તો તેમાં જુદા જુદા લેખનાં શીર્ષક બદલાતાં રહેશે. વિજેટ્સ સેટ કરવા માટે હોમ સ્ક્રીનની કોઈ પણ ખાલી જગ્યામાં હળવો પણ લાંબો સ્પર્શ કરશો એટલે એક ડાયલોગ બોક્સ ખૂલશે, તેમાંથી જે જોઈએ તે પસંદ કરી લો. આ રીતે તમે હોમ સ્ક્રીન પર વિજેટ્સ, ફોલ્ડરર્સ કે શોર્ટકટ્સ મૂકી શકો. સાદા ફોનની જેમ સ્પીડડાયલ સેટ કરવા માટે પણ શોર્ટકટમાં જઈને જોઈતો કોન્ટેક્ટ પસંદ કરી લો. ભવિષ્યમાં હોમસ્ક્રીનમાં આ કોન્ટેક્ટની લિંક પર એક ક્લિક કરતાં ફોન જોડાઈ જશે.
નોટિફિકેશન શટર : આ સગવડ તો તમે જોઈ જ લીધી હશે. સ્ક્રીનની ટોચ પરથી આંગળી નીચે લઈ જશો એટલે એક શટર પડશે જેમાં તમારા ફોનમાં નવી કઈ કઈ ગતિવિધિઓ થઈ – જેમ કે નવા મેસેજ, મેઇલ, ડાઉનલોડ વગેરે ઉપરાંત, વાઇ-ફાઇ, બ્લુટૂથ, જીપીએસ, વાઇબ્રેશન અને સ્ક્રીન ઓટોરોટેશનના ઓન-ઓફ બટન જોવા મળશે.
ટાસ્ક મેનેજર : સ્માર્ટફોન પણ અંતે તો કમ્પ્યુટર જેવા જ છે, તમે જેમ વધુ એપ્સ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરો તેમ ફોનની સિસ્ટમ મેમરીનો વધુ ને વધુ ઉપયોગ થતો જાય. (સ્માર્ટફોનમાં તમે અલગ મેમરી કાર્ડ નાખીને મોટા ભાગની એપ્સ તેના પર ઇન્સ્ટોલ કરી શકો છો, પણ સંખ્યાબંધ એપ્સ માત્ર ફોનની મેમરી પર જ ચાલે છે, જે મેમરી કાર્ડ કરતાં ઘણી ઓછી હોય છે. ફોન ખરીદતી વખતે આ બાબત ખાસ ધ્યાને લેશો.) કેટલીક એપ્સ તમે ઉપયોગ ન કરતા હો તો પણ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. ફોનમાં તમારી જાણ બહાર શું ચાલે છે એ જોવા માટે ટાસ્ક મેનેજરમાં જવું પડે. હોમ બટન થોડો લાંબો સમય પ્રેસ કરી રાખશો એટલે ટાસ્ક મેનેજરમાં પહોંચી જશો.
કોલ લોગ્સ : તમે તમારા કોલ્સની હિસ્ટ્રી થોડા થોડા વખતે ડિલીટ નહીં કરો તો કોલ લોગ્સની સંખ્યા વધતી જ જશે અને થોડા જ સમયમાં, તમને એન્ડ્રોઇડ ફોનમાં ફોન કરવાનું કામ જ કંટાળાજનક લાગવા લાગે એટલો ધીમો રીસ્પોન્સ ફોન આપશે. જૂની હિસ્ટ્રી ડિલીટ કરવા કોલ લોગ્સમાં જઈ મેનુ બટનની મદદથી ડિલીટનો ઓપ્શન શોધી લો.
સ્ક્રીનશોટ : જેમ તમે કમ્પ્યુટરમાં  પ્રિન્ટ સ્ક્રીન કી પ્રેસ કરીને મોનિટર પર દેખાતું બધું જ સ્ક્રીનશોટ તરીકે કેપ્ચર કરી શકો છો, એ જ રીતે એન્ડ્રોઇડ મોબાઇલમાં પણ કરી શકો છો. આ માટે ફોનનું હોમ બટન અને પાવર બટન એકસાથે પ્રેસ કરો. સ્ક્રીન પર એક ઝબકારો થશે અને મેસેજ આવશે કે સ્ક્રીન કેપ્ચર થઈ ગયો છે અને તમારી ફોટોગેલેરીમાં સ્ક્રીનશોટ્સના ફોલ્ડરમાં તેની ઇમેજ સેવ થઈ ગઈ છે!

ટોરેન્ટ સાઈટ્સ પરથી ડાયરેક્ટ ડાઉનલોડ...

નમસ્કાર મિત્રો,સૌને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ...

તમે લોકો ટોરન્ટ સાઈટ્સ વિષે તો જાણતા જ હશો. ન જાણતા હોય તો થોડુંક ગુગલીંગ કરજો, મળી જશે.
તેના પરથી ડાઉનલોડ કરવું એટલે ઘણીવાર માથાનો દુઃખાવો થઈ જાય. તમે ૯૯% સુધી ડાઉનલોડ કરી નાંખ્યું હોય અને પછી અચાનક જો સામેવાળો પોતાનું કમઠાણ બંધ કરી દે તો કામ પુરું. તમારું ડાઉનલોડ પછી ત્યાંનું ત્યાં જ અટકેલું રહી જાય. ઘણીવાર સ્પીડ ન આવે તો પણ ધાંધીયા.
આ બધા માંથી મુક્તિ એટલે ટોરીફીક

આ એક વેબસાઈટ છે, જે તમને ફ્રીમાં કોઈપણ ટોરન્ટ ડાઉનલોડ કરી આપશે, અને જ્યારે તેના સર્વરમાં ૧૦૦% ડાઉનલોડ થઈ જાય ત્યારે તમને મેઈલ દ્વારા તે લીંક આપશે. એટલે તમારે સીધું જ ત્યાંથી નોર્મલ ડાઉનલોડ કરતા હોય તેમ ડાઉનલોડ કરી લેવાનું.
હા, વાંકદેખુ પ્રવૃતિ ચાલુ કરો તો આના પણ અમુક વાંધા ખરા. જેવા કે, તમે જ્યારે તેને કોઈ ટોરન્ટની લીંક આપશો પછી તમારો વારો લાઈનમાં આવશે. જ્યારે વારો આવે ત્યારે જ તે ડાઉનલોડ કરવાનું ચાલુ કરશે. જો કે, મેં ટ્રાય કરી ત્યારે મને તેણે ૧૫ મીનીટ જ લાઈનમાં ઉભો રાખેલો.
હજુ પણ આવી કેટલીક સાઈટ્સ છે, તો જેને તેની લીંક ખબર હોય તે કોમેન્ટસની અંદર મુકજો.